આવકારો મીઠો આપજે

Monday 9 April 2012
આવકારો મીઠો આપજે

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….
કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

                                                               -- કવિ શ્રી દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી પાખ્યું વાળા

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા જી..
આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળાજી;,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા જી..
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા  જી..
પ્રેમી પંખીડા પાછાં નહીં મળીએ, આ વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા જી..
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે એના મોઢાં મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા  જી..
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા  જી..
                                                              - કવિ શ્રી  દુલા ભાયા કાગ

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી


‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક
રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને.
’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને.
જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને.
’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને.
નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને.
’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને.

                                                                       - કવિ શ્રી દુલા ભાયા કાગ

MAHATMA GANDHI

ગાંધીડો

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે ઈ
ઊંચાણમાં ન ઊભનારો 
એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો 
એ ઉપર ઊજળાં ને મનનાં મેલા એવાં
ધોળાને નહિ ધીરનારો મોભીડો મારો
ધોળાને નહિ ધીરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

એના કાંતેલામાં ફોદો ન ઊમટે
તાર સદા એકતારો 
એ દેહે દુબળિયો ને ગેબી ગામડિયો
મુત્સદીને મૂંઝવનારો મોભીડો મારો
મુત્સદીને મૂંઝવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

પગલાં માંડશે એવે મારગડે
આડો ન કોઈ આવનારો
એ ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો
બોલીને નહિ બગાડનારો મોભીડો મારો
બોલીને નહિ બગાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

નાનાં બાળક જેવો હૈયે લેરીલો
એરુમાં આથડનારો
એ કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઈ
કાળને નોતરનારો મોભીડો મારો
કાળને નોતરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઝીણી છાબડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરુંથી જોનારો
એ પોતે ચણેલામાં પોલ ભાળે તો તો
પાયામાંથી જ પાડનારો મોભીડો મારો
પાયામાંથી જ પાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો
એ ના’વવું હોય ને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાસનારો મોભીડો મારો
નાડાં તોડાવી નાસનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

રૂડો રૂપાળો થાળ ભરીને
પીરસે પીરસનારો
એ અજીરણ થાય એવો આહાર કરે નૈ
જરૂર એટલું જ જમનારો મોભીડો મારો
જરૂર એટલું જ જમનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં
એક ઘડી ન ઊભનારો
એ અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં
વણ તેડાવ્યે જાનારો મોભીડો મારો
વણ તેડાવ્યે જાનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

સૌને માથે દુખડા પડે છે
દુખડાંને ડરાવનારો
એ દુખને માથે પડ્યો દુખ દબવીને એ તો
સોડ તાણીને સૂનારો મોભીડો મારો
સોડ તાણીને સૂનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

કાળ જેવાને મહાકાળ લાગે છે
આભને બાથ ભીડનારો
એ સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો
ડુંગરાને ડોલાવનારો મોભીડો મારો
ડુંગરાને ડોલાવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઓળખજે બેનડી એ જ એંધાણીએ
એ મારા ખોળાનો ખૂંદનારો
એ મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
  
                                                                                    -  કવિ  શ્રી  દુલા  ભાયા  કાગ  

જગતની રીત

Monday 26 March 2012

જગતની રીત 
જગતની રીત જુદી છે એને કેમ કરી સમજાય 
સમજુને બધું સવળું લાગે ગભરૂડા ગુંચવાય 

તરસ્યા હોય એને તડકામાં ઝાંઝવા નદિયું જણાય 
સિંહ શિયાળિયા છેતરાયે  નહિ હરણાં છેતરાય જાય 

રાંકા કોઈનું બગાડે નહીને મુત્સદી મારી ખાય 
હરાડા કોઈના હાથ આવે નહિ પાળેલ પરોણા ખાય 

શ્વાનના ઘેર પણ સર્જનહાર તારે આવડો ક્યા અન્યાય 
પાપી નરની પડખે ચડે નહિ રાંક ને કરડી ખાય 

'દાદ' ઠાલાને તરતા દીઠા ભરેલા ડૂબી જાય 
નીતિ નાં ખોટા ઘામાં નાં'વે સોજા સલવાઈ જાય.    

                                                                             - કવિ દાદ (દાદુદાન ગઢવી)   




 





હરીયાળી ગીર છે રૂડી

Friday 23 March 2012

 જુનાગઢ જીલ્લાના ૧૪૦૦ ચો.કીમી વિસ્તાર માં ફેલાયેલા ગીર નાં જંગલમાં નેહવાસી
જીવન જીવતા માલધારી રાજભા ગઢવી એ ગીરની પ્રકૃતિ ને વિવિધ ઉપમા 
આપી  કવિતા રચી છે, એ પૈકી કેટલાક અંતરા અત્રે રજુ કરેલ છે


હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી 

વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હાલતા હિંચક લઈ 
જમના કાંઠે જાદવા હારે ગોપીયું ઘૂમી રઈ
શાદુળાની ડણકયું વાગે જશોદાની છાશ ફેરાતી 
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી  

કેશુડા કેરી કળીયુ ખીલી જાણે ઉગતો સુરજ રૂપ 
ટોચ  ડુંગરડેથી ચાંદલો ઉગે શિવ શિરે ગંગ મુખ 
રીંછડીયુ ડુંગરા ટોચે જોગી બેઠો ચલમ્યુ ફૂંકે  
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી  

ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ 
લાલ પાઘડીયે લાડડો રૂડો વીર શોભે વરરાજ 
વાદળિયું વારણા લેતી જાનડીયુ કાનમાં કેતી 
હરીયાળી ગીર છે રૂડી પવિતર પ્રેમ ઘેલુડી  

                                                       - કવિ શ્રી રાજભા ગઢવી 
  

PRAYER OF HINGLAJ

Saturday 17 March 2012
બલુચિસ્તાન (પાકિસ્તાન ) માં હિંગલાજનાં સ્થાનકે નિયમિત રીતે થતી પ્રાર્થના
(આ પ્રાર્થના ચારણી છંદ માં રચાયેલી છે.)


છંદ - હિકર્ણ 
 
પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા ભૈરવી 
ભુજંગ કેશ કુંડલાય કંઠલા મનોહરી 
નિકંદ કામ ક્રોધ દૈત્ય અસુરકાલ મર્દની
નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની 

રક્ત સિંગ આસની સાવધાન શંકરી 
કુઠાર ખડગ ખપ્ર ધાર કર દલન મહેશ્વરી 
નીશંભ શુંભ રક્તબીજ દૈત તેજ ગંજની 
નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની 
  

જવાહીર રત્ન બેલ કેલ સર્વ કર્મ લોલની 
વ્યાલ ભાલ ચંદ્ર કેત પુષ્પ માલ મેખની 
ચંડ મુંડ ગર્જની સુનાદ બિંદ વાસની 
નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની 

ગજેન્દ્ર ચાલ કાલ ધૂમ સેતુ ચાલ લોલની 
ઉદાર તેજ તીમ્ર નાસ સુશોભે એષ્ક શંકરી
અનાથ સિદ્ધ સાધ્ય લોક સપ્તદ્વીપ બિરાજની 
નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની

 શૈલ શિખર રાજની  જોગ જુગત કારની 
ચંડ મુંડ ચૂર કર સહસ્ર ભુજ દાયની
વિકરાલ કેશ વેશ ભૂત અંત રૂપ દામની 
નમોસ્તુ માત હિંગલાજ નીરમલા નિરંજની  

- કર્તા :- અજ્ઞાત 
 
 




 
  














 

MITR-DHARM

Thursday 15 March 2012
કવિ શ્રી દુલા ભાયા કાગે નીચેના ઝૂલણા છંદમાં સજ્જન મિત્રનો ત્યાગ કરવાથી થનાર પરિસ્થિતિ માટે લોકોને વાકેફ કરવા જુદા-જુદા રૂપકોનું પ્રયોજન કર્યું છે.
હંસ
(માન સરોવર નો ત્યાગ કરનાર હંસ ની દશાનું નિરૂપણ )
ત્યાગ હંસે કર્યો માનસરોવર તણો,
 આવિયો તટ દધી નીર નાયો;
કોઈ એને પછી હંસ કે'તું નથી,
 હંસ બગલાની હારે ગણાયો;
મોતી મળ્યા નહિ ત્યાં મળી માછલી,
 સુખ લવલેશ ત્યાંથી ન લાધ્યું;
શરીર રઝળ્યું જુઓ તીર સાગર તણે,
 બકગણે હંસ નું માંસ ચાર્યું.

લોહ
(લાકડાની ઈર્ષા આવવાથી ખીલા જહાજમાંથી છુટા પડવાથી 
ખીલાની દશાનું નિરૂપણ )
લોહને કાષ્ઠ બે સંગ જ્યારે મળ્યા,
જા'જ થઇ સાગરે સફર કીધી;
લોહ વજને ઘણું કાષ્ઠ સંગે રહી,
 અકળ રત્નાકરે લે;ર કીધી;
વહાણ છે કાષ્ઠ નું એમ સૌ કો કહે,
 લોહથી એન મનમાં સહાણું;
તુર્ત જુદું થયું કાષ્ઠ તરતું રહ્યું,
 લોહ દરિયા ને તળિયે સમાણુ.  
                                                                                                         - દુલા ભાયા કાગ 

PRAYER

Wednesday 14 March 2012
આઈ શ્રી  રવેચી સ્તુતિ  
(ચારણી સ્તુતિ)
છંદ - સારસી
રવરાય દેવી યોગમાયા આવ ભેરે ઈશ્વરી  
જેદી મેહ માવલ રાવ કાજે હોડમાં ઉતર્યા હતા 
નવલાખ તારા અવર સુરગુણ કુંભમાં જકડયા હતા 
તેદી સત્ય વેત સુધાર જનની નાદ જય જય ઉચરી
રવરાય દેવી યોગમાયા આવ ભેરે ઈશ્વરી  

રવતણા રવ માહી રમતી આવ હૈયે અમ તણા 
અજ ભ્રહ્મ વ્યાપક એક અવિરલ તખત રૂપો તું તણા 
કલ્યાણ કરણી દુખ હરણી અંબિકે પરમેશ્વરી 
રવરાય દેવી યોગમાયા આવ ભેરે ઈશ્વરી  

સંતાનને સંભાળજે પંપાળજે માં પ્રીતથી
ગાયે સદા ગુણગાન અંબા ખુશી થાજે ગીતથી
નારણ તુમ્હારા નામરી ઘટમાળા પરવરી
રવરાય દેવી યોગમાયા આવ ભેરે ઈશ્વરી  


  

THE POETRY OF RIVER

Monday 12 March 2012


હિરણ એ ગીર ના જંગલ માં વહેતી એક નદી છે. આ નદી માં રાતના સમયે સર્જાતા દ્રશ્યોનું  કવિ એ પોતાના કવિતામાં વર્ણન કર્યું છે અને ઉપમા અલંકારનો  સુંદર પ્રયોગ કર્યો છે. 

કવિતાનો અનુભવ કરતા મુખમાંથી શબ્દ સરે " ઉપમા ચારણસ્ય "

* હિરણની રાત *
મારે શું કરવી તારી વાત રે એવી રૂપાળી હિરણની રાત...

 પોઢી ગયા છે છાંયડા તટના ડાળે પરોવી ડાળ 
બંધન એના છૂટી જાશે માછલડી ધીરા ઉલાળા માર 

નાઈ રહ્યો છે ચંદ્રમાં નભનો જાણે પદમણી નાર, 
પછી પ્યાસી ચકોરી જળમાં ડૂબી ભેટી ગઈ ભરથાર

ઘૂમી રહ્યા છે આગિયા ઘાટે પુષ્પોના પમરાટ 
            અડધી રાતે ઉઘડ્યા કાંઈ હિરાકણીયુના હાટ         

બેહદ તાલે તમારા બોલે એને સુરની ચડી છે પુર 
એમાં 'દાદ' કિનારા પોઢી ગયા એના હાલરડા રે મધુર 

                                                                              - કવિ દાદ "દાદુદાન ગઢવી " 

 

CHARAN

Saturday 10 March 2012
कवित 

"शर को उतारी वारे कर ते महीप जापे 
बिना पढ़े राजनीती उरालय आती है,
चन्दन समान जाकी बास ठैर ठैर फीरे  
वंदन समान सत्य जगत को सिखाती है,
मिटाती है वैर-ज़ेर फीरी फीरी  ठैर ठैर
कल्हंद के पौधे को मूल से मिटाती है, 
गाती है हरिगुन जगत को सिखाती है 
"नारण" भनंत ये ही चारण की जाती है. "
                                                                                   - नारण दान सुरु